ING બેંકના કૌભાંડમાં બે કર્મી સસ્પેન્ડ

12 વર્ષ પેહલા
  • કૉપી લિંક
ગેરરીતિ થયાનો બેન્ક સત્તાધીશોનો એકરાર: કેટલા રૂપિયાની ઉચાપત થઇ તે અંગે હજુ મૌન બેંગ્લોરથી આવેલી વિજિલન્સ ટીમની તપાસ, બેન્કમાં ખાતેદારોની લાઇન આઇએનજી બેંકની રાજકોટ શાખામાં એકાઉન્ટ ધરાવતા અનેક ગ્રાહકોના ખાતામાંથી તેમની જાણ બહાર કરોડો રૂપિયા બારોબાર ઉપાડીને આચરવામાં આવેલા આર્થિક કૌભાંડ અંગે દિવ્ય ભાસ્કરમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલ બાદ બેંક સત્તાધીશોએ તેમની બેંકમાં નાણાકીય ગેરરીતિ થયાનું સ્વીકાર્યું છે. તેમજ આ કૌભાંડમાં સામેલ મહિલા કર્મચારી સહીત બેને સસ્પેન્ડ કરી દેવાયા છે. એટલું જ નહીં કૌભાંડની તપાસ માટે બેંગ્લોરથી આવેલી વિજિલન્સ ટીમ દ્વારા તલસ્પર્શી તપાસ થઇ રહ્યાનું જણાવ્યું હતું. જોકે, કેટલા ગ્રાહકોના ખાતામાંથી કુલ કેટલા રૂપિયાની ઉચાપત થઇ છે તેની વિગત જાહેર કરવાનું વધુ એક વખત ટાળ્યું હતું. બેંકમાં એકાઉન્ટ ધરાવતા ખાતેદારોના નાણા હજમ કરી જવા બેંકમાં કેટલાક ડમી એકાઉન્ટ ખોલીને બેંકના જ કર્મચારીઓએ કરોડો રૂપિયાનો ગોટાળો કર્યાના કૌભાંડનો દિવ્ય ભાસ્કરે પર્દાફાશ કરતા આજે સવારથી જ બેંકમાં ખાતેદારોની લાઇન લાગી હતી. કૌભાંડમાં જેની સંડોવણી હોવાનું કહેવાય છે એ સેલ્સ મેનેજર દેવાંગ ખીરા અને તેના પિતાએ પોલીસમાં કરેલી બે અરજીમાં બેંકના કર્મચારીઓએ દેવાંગને ગોંધી રાખીને સહીઓ કરાવી ૩૪ લાખ રૂપિયા જમા કરાવ્યાનો આક્ષેપ કર્યો છે. આ અરજીની તપાસ માટે સવારથી જ પોલીસટીમે બેંકમાં પડાવ નાખીને કર્મચારીઓના નિવેદન નોંધવાની કાર્યવાહી કરી હતી. કૌભાંડ જાહેર થઇ જતા આજે બેંકના ગુજરાતના સેન્ટ્રલ હેડ વિરેન મહેતા રાજકોટ આવી પહોંચ્યા હતા. તેમ તપાસ માટે વિજિલન્સ અધિકારી ટી. એસ. રામચંદ્રન દ્વારા ઊંડી તપાસ થઇ રહ્યાનું જણાવ્યું હતું. એક તબક્કે વિગતો જાહેર નહીં કરનાર બેંકના બ્રાંચ મેનેજર અજીત ગોસ્વામી તેમજ એરિયા મેનેજર તેજસ વાછાણીએ પત્રકારો સમક્ષ જાહેર કર્યું હતું કે, રૈયારાજ નામની પેઢીના એકાઉન્ટમાં રૂપિયા પાંચ લાખ જમા નહીં થતાં કૌભાંડની ગંધ આવી હતી. પ્રાથમિક તપાસમાં બેંકના કસ્ટમર કેર મેનેજર શીતલ વખારિયા (રહે. વૈશાલીનગર-૭) અને સેલ્સ મેનેજર દેવાંગ પ્રફૂલભાઇ ખીરા (રહે. પરસાણાનગર મેઇન રોડ)ની સંડોવણી બહાર આવી છે. ત્યારબાદ, આશરે ૨પ જેટલા એકાઉન્ટમાંથી નાણાની ગેરરીતિ થયાનું જણાતા હેડ ઓફિસને જાણ કરાયા પછી શીતલ અને દેવાંગને સસ્પેન્ડ કરી દેવાયા છે. વિજિલન્સ તપાસ પૂરી થયે પોલીસ ફરિયાદ કરવામાં આવે તેવા નિર્દેશ આપ્યા હતા. જે બે કર્મચારીને સસ્પેન્ડ કરી દેવાયા છે એ પૈકી દેવાંગ ખીરા અને તેના પિતાએ પોલીસને કરેલી અરજી મુજબ, બેંકમાં ફરજ બજાવતા સમર્થ બુધ્ધદેવ, ભાવેશ મહેતા, તેજસ વાછાણી અને આર. એસ. રવિન્દ્રએ દેવાંગને ગોંધી રાખી માનસિક ત્રાસ ગુજારીને સાચા-ખોટા લખાણ ઉપર સહીઓ કરાવી ૩૪ લાખ રૂપિયા બેંકમાં ડિપોઝિટ કરાવ્યાનો આક્ષેપ કરી ઉપરોકત નાણા તેણે વ્યાજે અને માતાના ઘરેણાં વેચીને ચૂકવ્યા હોવાથી પરત અપાવવા અરજ કરી છે. આ આક્ષેપને નકારતા બેંક સત્તાધીશોએ જણાવ્યું હતું કે, કોઇ બળજબરી નથી થઇ, દેવાંગ જાતે જ પોતાના હસ્તાક્ષરમાં એકરાર કરીને નાણા જમા કરાવી ગયો છે. બેંકિંગક્ષેત્રે ખળભળાટ મચાવી દેનારા આ કૌભાંડ અન્ય કેટલાક કર્મચારીની સંડોવણી હોવાની શક્યતા જોવાય છે.પીઆઇ નાયક, મદદનીશ જગુભા ઝાલા અને અનિલસિંહ ગોહિલ તપાસ ચલાવી રહ્યા છે. પોલિસી માટે આપેલા ડોક્યુમેન્ટના આધારે બોગસ ખાતું ખોલી લાખોનું ટ્રાન્જેકશન બેંકના સ્ટાફ દ્વારા આચરવામાં આવેલા કૌભાંડમાં મિત હાર્ડવેર નામના ખાતામાં લાખો રૂપિયાના ટ્રાન્જેકશન થયાનું ખુલ્યું છે. મિત હાર્ડવેરના પ્રોપ્રાઇટર તરીકે જેનું નામ છે એ નિમીશભાઇ નોકરિયાત છે તેમણે પોલિસો જણાવ્યું હતું કે, તે મિત નામની કોઇ પેઢી ધરાવતા નથી. તેમણે પોતાના અને પત્નીના નામે આઇએનજી બેંકની પોલિસી માટે ડોકયુમેન્ટ આપ્યા હતા એ ડોક્યુમેન્ટના આધારે બોગસ એકાઉન્ટ ખોલીને તેમના નામે ઠગાઇ થયાની પોલીસને અરજી કરી છે. વધુમાં બેંકના કર્મચારીએ પોલિસીના નાણાં લઇને અન્યના નામે પોલિસી કઢાવી લીધાનું જણાવ્યું હતું. આવા અનેક એકાઉન્ટ હોવાની પોલીસને શંકા છે. સૂત્રધાર મનાતા શીતલ અને દેવાંગ ભૂગર્ભમાં એકાઉન્ટ હોલ્ડરોના ખાતામાંથી બારોબાર નાણા ઉપાડી લેવાના કારસ્તાનમાં સસ્પેન્ડ કરી દેવાયેલા કર્મચારી શીતલ વખારિયા અને દેવાંગ ખીરા ભૂગર્ભમાં ઉતરી ગયાનું પોલીસે જણાવ્યું છે. વધુમાં સેલ્સ મેનેજર દેવાંગની નીચે ૧૦ કર્મચારીઓ કામ કરતા હોવાથી તમામના નિવેદન લેવામાં આવશે. બેંકનો વહીવટ શીતલના ભરોસે ચાલતો હોવાનું ચર્ચાય છે. યાર્ડની અનેક પેઢીના ખાતામાંથી ગોલમાલ થયાની ચર્ચા મળતી માહિતી મુજબ, બેંકમાં માર્કેટિંગયાર્ડની ૮૦ થી ૯૦ પેઢીના એકાઉન્ટ હતા. જોકે, કોઇ કારણોસર અડધા એકાઉન્ટ બંધ થઇ ગયા છે. હાલમાં જેટલા એકાઉન્ટ છે તેમના ખાતામાં રોજ મોટી રકમના ટ્રાન્જેકશન થતા હોવાથી કૌભાંડિયાઓ પેઢીના ખાતામાંથી રકમની ગોલમાલ કર્યાની ચર્ચા થઇ રહી છે.